બેટી રામપરા ખેડૂતોની પીડા: પ્રદૂષિત પાણીથી ઘઉંનો પાક નિષ્ફળ, ન્યાયની માંગ સાથે ખેડૂતોની રજૂઆત
Views 130

રાજકોટ જિલ્લાના બેટી રામપરા ગામના ખેડૂતો માટે આ વર્ષે શિયાળુ પાક નિરાશાજનક સાબિત થયો છે. ગામના લગભગ 30 થી 40 ખેડૂતો દ્વારા વાવવામાં આવેલ ઘઉં, મકાઈ અને લીલા ઘાસચારાના પાકમાં ગંભીર નુકસાન નોંધાયું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ ઘઉંના પાકમાં ડુંડીમાં એક પણ દાણો જોવા મળ્યો નથી, જેના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે.


ખેડૂતોનો આક્ષેપ છે કે બામણબોર ઇન્ડસ્ટ્રીયલ એરિયા તથા બામણબોર જીઆઈડીસીમાં આવેલ 8 થી 10 જેટલા કારખાનાઓમાં થી છોડવામાં આવતું કેમિકલ મિશ્રિત ગંદુ પાણી બેટી નદીમાં છોડવામાં આવે છે. આ પ્રદૂષિત પાણી ઇન્ટરનેશનલ હિરાસર એરપોર્ટ નજીકથી પસાર થઈને વોકળા મારફતે બેટી નદીમાં મળી જાય છે. બેટી નદીના આ જ પાણીનો ઉપયોગ રામપરા ગામના ખેડૂતો સિંચાઈ માટે મોટર દ્વારા કરે છે. ખેડૂતોના જણાવ્યા મુજબ નદીમાં આવતું પાણી ઝેરી અને પ્રદૂષિત હોવાથી ઘઉં સહિતના પાકને ભારે નુકસાન થયું છે. પાકમાં દાણા ન ભરાતા ખેડૂતોની મહેનત અને ખર્ચ બન્ને વ્યર્થ ગયા છે. એક ખેડૂત દીઠ અંદાજે 70 થી 80 હજાર રૂપિયા જેટલો ખર્ચ બિયારણ, ખાતર, દવાઓ અને વીજળી બિલ પાછળ થયો હોવા છતાં પાક મળ્યો નથી.
આ મામલે ખેડૂતો દ્વારા લગભગ 18 થી 20 દિવસ પહેલા કલેકટર, મામલતદાર, પ્રાંત અધિકારી, ટીડીઓ, પાણી પુરવઠા વિભાગ અને પ્રદૂષણ નિયંત્રણ વિભાગને લેખિત તથા મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. છતાં હજુ સુધી કોઈ ઠોસ કાર્યવાહી ન થતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે.
આજે ગામના સરપંચ વિજયભાઈ ભલગામડીયાની હાજરીમાં ખેડૂતો પોતાના ખેતરોમાં મીડિયા સમક્ષ પહોંચ્યા અને પાકની હાલત બતાવી. સરપંચે જણાવ્યું કે પ્રદૂષણ વિભાગે તાત્કાલિક તપાસ કરીને બામણબોર જીઆઈડીસીના કારખાનાઓમાંથી છોડાતું ઝેરી પાણી બંધ કરાવવું જોઈએ તેમજ ખેડૂતોના ખેતરોમાં સર્વે કરીને તેમને યોગ્ય વળતર આપવું જોઈએ.

નુકસાન પામેલા ખેડૂતોમાં કાનાભાઈ ડાંગર, સામતભાઈ ભલગામડીયા, રમેશભાઈ ભલગામડીયા, મગનભાઈ ભલગામડીયા, નીતિનભાઈ, મુન્નાભાઈ રાઠોડ, મેરામભાઈ ભલગામડીયા, કાળુભાઈ ડુંગરેસીયા, રાવતભાઈ ડુંગરેસીયા, નિર્મળભાઈ દાનાભાઈ, ચેલાભાઈ, પોપટભાઈ, નાજાભાઈ, જગાભાઈ, વજાભાઈ, બાબુભાઈ, સાગરભાઈ, કિશનભાઈ ડાંગર સહિતના અનેક ખેડૂતોનો સમાવેશ થાય છે. ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક ધોરણે પ્રદૂષણ ફેલાવતા કારખાનાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે, બેટી નદીમાં છોડાતું ઝેરી પાણી બંધ કરાવવામાં આવે અને નુકસાન પામેલા ખેડૂતોને સર્વે કરીને યોગ્ય વળતર આપવામાં આવે. ખેડૂતો આશા વ્યક્ત કરી રહ્યા છે કે સરકાર અને સંબંધિત વિભાગો સમયસર પગલાં લઈને ખેડૂત હિતમાં ન્યાય કરશે.

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ બાબુભાઈ ડાભી બામણબોર રાજકોટ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!