“ઉદ્યોગનગરીની ચમક કાદવમાં ગૂમ: લાતી પ્લોટ આજે પણ વિકાસ નહીં, વચનોનું સ્મારક!”
Views: 72
0 0
Read Time:4 Minute, 9 Second

જિલ્લો બન્યો, કોર્પોરેશન બન્યું, મેયર-કમિશનર આવ્યા… છતાં દર ચોમાસે લાતી પ્લોટમાં કાદવ, ગંદકી અને પાણી ભરાવાની યાતના યથાવત

મોરબી :એક સમય એવો હતો જ્યારે મોરબીના લાતી પ્લોટ વિસ્તારની ઓળખ ઘડિયાળ અને હીરા ઉદ્યોગની ધમધમાટથી થતી હતી. હજારો લોકોને રોજગારી આપનાર આ વિસ્તાર આજે પણ વિકાસના દાવાઓ વચ્ચે કાદવ, કીચડ, ગંદકી અને ભૂગર્ભ ગટરની સમસ્યાઓમાં સપડાયેલો જોવા મળે છે. શહેરને જિલ્લાનું ગૌરવ મળ્યું, નગરપાલિકાનું મહાનગરપાલિકા માં રૂપાંતર થયું, મેયર અને મ્યુનિસિપલ કમિશનર જેવી ઉચ્ચ કક્ષાની વહીવટી વ્યવસ્થા ઊભી થઈ, છતાં લાતી પ્લોટની મૂળભૂત સમસ્યાઓ આજે પણ યથાવત છે.ચોમાસાની શરૂઆત થતાં જ વિસ્તારના રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે. અનેક સ્થળોએ ભૂગર્ભ ગટરો ચોકઅપ થતાં ગંદુ પાણી રસ્તાઓ પર ફરી વળે છે. વર્ષો પહેલાં બનાવેલા રસ્તાઓ તૂટી-ભૂકો થઈ જતા વાહનચાલકો, વેપારીઓ, મજૂરો અને સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સામાન્ય વરસાદ પણ વિસ્તાર માટે આફત સમાન બની જાય છે.

સ્થાનિક વેપારીઓ, દુકાનદારો અને કારખાનેદારોનું કહેવું છે કે દર વર્ષે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ સ્થળ મુલાકાત લઈને આશ્વાસન આપે છે, પરંતુ કાયમી ઉકેલ ક્યારેય જોવા મળતો નથી. વિકાસના દાવા અને વાસ્તવિક સ્થિતિ વચ્ચેનો વિરોધાભાસ આજે પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.મોરબી રાજ્યના સૌથી વધુ આવક આપતા ઉદ્યોગ કેન્દ્રોમાંનું એક ગણાય છે. ટેક્સ, મિલકત વેરો અને વિવિધ પ્રકારની આવકમાંથી કરોડો રૂપિયાની વસૂલાત થાય છે. ઉપરાંત સરકાર દ્વારા પણ વિકાસ માટે કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. તેમ છતાં લાતી પ્લોટ જેવા મહત્વના ઔદ્યોગિક વિસ્તારમાં રસ્તા, ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલ જેવી પાયાની સુવિધાઓ હજુ અધૂરી રહેવી આયોજનની ગંભીર ખામી તરફ આંગળી ચીંધે છે.પ્રશ્ન માત્ર કાદવ કે પાણી ભરાવાનો નથી; આ સ્થિતિ આરોગ્ય, ટ્રાફિક, વેપાર અને અકસ્માતના જોખમને પણ વધારી રહી છે. ગંદકીના કારણે રોગચાળો ફેલાવાની શક્યતા વધી રહી છે, જ્યારે તૂટેલા રસ્તાઓ પર અકસ્માત સર્જાવાનો ભય સતત રહે છે.સ્થાનિક લોકોમાં હવે ચર્ચા છે

કે જો શહેરમાંથી કરોડો રૂપિયાની આવક થાય છે અને વિકાસ માટે વધારાની ગ્રાન્ટ પણ મળે છે, તો પછી લાતી પ્લોટ જેવી વર્ષો જૂની સમસ્યાઓનો કાયમી ઉકેલ કેમ આવતો નથી? આ પ્રશ્ન હવે માત્ર એક વિસ્તારનો નહીં પરંતુ સમગ્ર શહેરના વિકાસ મોડલ સામેનો સવાલ બની ગયો છે. મતદારો અને ઉદ્યોગકારોની માંગ છે કે કાગળ પરના વિકાસને બદલે જમીન પર દેખાતું આયોજન થાય. વરસાદી પાણીના નિકાલ, ભૂગર્ભ ગટર વ્યવસ્થાનું આધુનિકીકરણ અને મજબૂત રસ્તાઓનું નિર્માણ તાત્કાલિક હાથ ધરવામાં આવે. કારણ કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં તંત્ર જાગે અને ઉદ્યોગનગરી મોરબીને ખરેખર સમસ્યામુક્ત બનાવે, એવી લોકલાગણી હવે વધુ પ્રબળ બની રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *