વિકાસના દાવા વચ્ચે વહીવટ પર બ્રેક? તલાટીઓના આંદોલનથી સરકાર સામે કાર્યક્ષમતાનો સવાલ, ભોગ નાગરિકો ન બને તેની ચિંતા
Views: 13
0 0
Read Time:4 Minute, 16 Second

મોરબી/વાંકાનેર, તા. 6 જુલાઈ રાજ્ય સરકાર વિકાસ અને ડિજિટલ વહીવટના દાવા કરી રહી છે, ત્યારે બીજી તરફ ગ્રામ્ય વહીવટની કરોડરજ્જુ ગણાતા તલાટી કમ મંત્રીઓએ મહેસૂલી કામગીરીથી હાથ ખંખેરવાનો નિર્ણય જાહેર કરતાં વહીવટી વ્યવસ્થા સામે નવા પ્રશ્નો ઊભા થયા છે. વાંકાનેર તાલુકા તથા મોરબી જિલ્લા તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા અધિકારીઓને લેખિત રજૂઆતો કરી લાંબા સમયથી પડતર પ્રશ્નોના ઉકેલની માંગ કરવામાં આવી છે. વાંકાનેર તાલુકા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ ભાવેશભાઈ બી. ડાભી અને ઉપપ્રમુખ અયાઝભાઈ શેરસીયા દ્વારા મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીને અપાયેલી રજૂઆતમાં પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ સિવાયની મહેસૂલી કામગીરી બંધ રાખવાનો નિર્ણય રાજ્ય મહામંડળના આદેશ મુજબ અમલમાં મૂકવાની જાણ કરવામાં આવી છે. બીજી તરફ મોરબી જિલ્લા તલાટી કમ મંત્રી મહામંડળના પ્રમુખ યોગેશભાઈ પટેલ અને મહામંત્રી એમ. એન. દેવમુરિયા દ્વારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ કર્મચારીઓની અછત, વધારાની ફરજો અને 24થી વધુ પ્રશ્નોના તાત્કાલિક ઉકેલની માંગ ઉઠાવવામાં આવી છે.
તલાટી મંડળનું કહેવું છે કે એક જ કર્મચારી પાસે પંચાયત, મહેસૂલ, ચૂંટણી, સર્વે, વિવિધ સરકારી યોજનાઓ અને ડિજિટલ પોર્ટલ સહિત અનેક પ્રકારની જવાબદારીઓ હોવાથી મૂળભૂત ગ્રામ્ય વહીવટ પ્રભાવિત થઈ રહ્યો છે. ખાલી જગ્યાઓ ન ભરાતા અને કામનો ભાર સતત વધતા કર્મચારીઓમાં અસંતોષ વધ્યો હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.
બીજી તરફ આ નિર્ણયની સીધી અસર સામાન્ય નાગરિકો પર પડી શકે આવકના દાખલા, રહેઠાણના દાખલા, વારસાઈ, જમીન સંબંધિત પ્રક્રિયા સહિતની અનેક મહેસૂલી સેવાઓમાં વિલંબ થવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી સેવાઓ માટે તલાટી મુખ્ય કડી હોવાથી લાંબો વિવાદ ઉભો રહે તો તેની અસર વિકાસકાર્યો પર પણ પડી શકે છે. રાજકીય દૃષ્ટિએ પણ આ મુદ્દો મહત્વનો બની રહ્યો છે. વિકાસના દાવા કરતી સરકાર સામે હવે કર્મચારીઓના પ્રશ્નોના સમયસર ઉકેલનો પડકાર ઉભો થયો છે. બીજી તરફ વિરોધ પક્ષો પણ આ મુદ્દે ખાસ આક્રમક જોવા મળતા નથી. પરિણામે કર્મચારીઓની માંગણીઓ અને સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ વચ્ચે અસરકારક રાજકીય દબાણ સર્જાતું ન હોવાનું નિરીક્ષકો માની રહ્યા છે.

વહીવટી નિષ્ણાતોના મત મુજબ કર્મચારીઓની વાજબી માંગણીઓનું સમયસર નિરાકરણ અને સાથે નાગરિક સેવાઓ અવિરત ચાલુ રહે તે બંને બાબતો સરકાર માટે સમાન રીતે મહત્વપૂર્ણ છે. લાંબા સમય સુધી સ્થિતિ યથાવત રહે તો ગ્રામ્ય વહીવટમાં વિલંબ વધવાની સાથે વિકાસના દાવાઓ પર પણ પ્રશ્નચિહ્ન ઊભું થઈ શકે છે.હાલ સરકાર કે જિલ્લા વહીવટી તંત્ર તરફથી તલાટી મંડળની રજૂઆતો અંગે કોઈ સત્તાવાર નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી. હવે કર્મચારીઓના પ્રશ્નોનું સમાધાન અને સામાન્ય જનતાને અગવડ ન પડે તે માટે સરકાર અને તલાટી મંડળ વચ્ચે હકારાત્મક સંવાદ કેટલો ઝડપથી આગળ વધે છે, તેના પર સૌની નજર છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *