પાર્ટીના વફાદાર કે પ્રજાના પ્રતિનિધિ? મોરબીની રાજનીતિમાં અસંતોષ વચ્ચે મતદારો માટે ચિંતનનો વિષય
Views 24

મોરબી મહાનગરપાલિકાની રચના બાદથી શહેરની રાજનીતિમાં વિકાસના મુદ્દાઓ જેટલી ચર્ચા થઈ નથી, તેટલી ચર્ચા સત્તા, સંગઠન અને આંતરિક અસંતોષની થઈ રહી છે. ભાજપને સતત મળેલા જનસમર્થન છતાં પક્ષની અંદર ઊભા થતા વિવાદો હવે જાહેર ચર્ચાનો વિષય બન્યા છે. મેયરપદની પસંદગીથી શરૂ થયેલો અસંતોષ હવે કોર્પોરેટરો અને સંગઠનના કેટલાક વર્ગોમાં ખુલ્લેઆમ ચર્ચાઈ રહ્યો હોવાનું રાજકીય વર્તુળોમાં માનવામાં આવે છે.
રાજકીય નિરીક્ષકોના મતે, કોઈપણ પક્ષમાં મતભેદ હોવા સ્વાભાવિક બાબત છે. પરંતુ જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાની જ પાર્ટી સામે અસંતોષ વ્યક્ત કરવા લાગે, ત્યારે સૌથી મોટો પ્રશ્ન મતદારોના મનમાં ઊભો થાય છે કે તેઓ પક્ષ પ્રત્યે વધુ વફાદાર છે કે પછી તેમને ચૂંટનારી પ્રજા પ્રત્યે? મોરબીની પ્રજાએ વિશ્વાસ સાથે બહુમતી આપી હતી. મતદારોની અપેક્ષા હતી કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ શહેરના વિકાસ, સુવિધાઓ અને પ્રજાના પ્રશ્નોના ઉકેલ માટે કામ કરશે. પરંતુ જો ચૂંટણીઓ બાદ પણ સત્તા અને હોદ્દાની ખેંચતાણ જ ચર્ચાના કેન્દ્રમાં રહે, તો સામાન્ય નાગરિકોમાં નિરાશા ફેલાવવી સ્વાભાવિક છે.
ચર્ચાતી બાબત એ પણ છે કે જો કોઈ પ્રતિનિધિ પોતાની મનગમતી જવાબદારી કે સ્થાન ન મળતાં અસંતોષ વ્યક્ત કરે અને બગાવતના સંકેતો આપે, તો આવનારા સમયમાં પરિસ્થિતિ બદલાય ત્યારે ફરી આવો જ અસંતોષ ઉભો નહીં થાય તેની કોઈ ખાતરી નથી. આ સ્થિતિમાં પ્રશ્ન વ્યક્તિગત સંતોષનો નહીં પરંતુ રાજકીય પ્રતિબદ્ધતાનો બની જાય છે.

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય સમીકરણો બદલાવા લાગતા હોય છે. ટિકિટ, દાવેદારી અને ભવિષ્યની રાજકીય શક્યતાઓને લઈને નેતાઓ સક્રિય બનતા હોય છે. આવા સમયે કેટલાક અસંતોષને સિદ્ધાંતની લડાઈ ગણાવે છે તો કેટલાક તેને રાજકીય તકવાદ તરીકે પણ જોતા હોય છે. સાચું શું છે તે સમય જ નક્કી કરશે, પરંતુ પ્રજા આ તમામ ઘટનાક્રમને ખૂબ નજીકથી નિહાળી રહી છે. લોકશાહીમાં પક્ષો આવે-જાય, નેતાઓ બદલાય, હોદ્દાઓ બદલાય, પરંતુ મતદારોનો વિશ્વાસ જ સૌથી મોટી રાજકીય મૂડી ગણાય છે. જો ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાના રાજકીય ભવિષ્ય કરતાં પ્રજાના હિતને પ્રથમ સ્થાન આપશે તો લોકશાહી વધુ મજબૂત બનશે. પરંતુ જો રાજકારણ માત્ર હોદ્દા અને સત્તાની આસપાસ જ ફરે, તો મતદારો માટે ફરી એકવાર વિચારવાનો સમય આવી શકે છે.
મોરબીની હાલની રાજકીય ગરમાગરમી વચ્ચે સૌથી મોટો સવાલ એ જ છે – ચૂંટાયેલા પ્રતિનિધિઓ પક્ષના વફાદાર છે, વ્યક્તિગત રાજકીય હિતના વફાદાર છે કે પછી તેમને ચૂંટનારી પ્રજાના? આ સવાલનો જવાબ કદાચ આવનારા દિવસોની રાજકીય ઘટનાઓ આપશે, પરંતુ હાલમાં તો આ મુદ્દો શહેરમાં ચિંતન અને ચર્ચાનો વિષય બની રહ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!