જેતપર અને ચકમપર દુષ્કર્મ કેસનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો: મોરબી ક્રાઇમ બ્રાન્ચે દેવીપૂજક ગેંગના ચાર આરોપીઓને ઝડપી પાડ્યા
Views 57

મોરબી તાલુકાના જેતપર અને ચકમપર ગામની સીમમાં બનેલી બે ગંભીર દુષ્કર્મ અને લૂંટના પ્રયાસની ઘટનાઓનો ભેદ મોરબી ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢ્યો છે. બંને બનાવોમાં અજાણ્યા શખ્સોએ રાત્રિના સમયે ખેત મજૂરોને નિશાન બનાવી છરી અને ધોકા જેવા હથિયારોના જોરે ધમકીઓ આપી મહિલાઓ પર દુષ્કર્મ આચર્યાનો આરોપ છે. પોલીસના જણાવ્યા મુજબ પ્રથમ ઘટના 4 જૂન 2026ની રાત્રે જેતપર ગામની સીમમાં બની હતી. પાંચ શખ્સો ચોરી અથવા લૂંટના ઇરાદે ખેત વિસ્તારમાં પહોંચ્યા હતા. ત્યાં કોઈ કિંમતી માલમિલકત ન મળતાં તેમણે એક મજૂર દંપતીને ધમકાવી મહિલાને અલગ લઈ જઈ બળજબરીથી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી.
બીજી ઘટના 5 જૂન 2026ની મધરાતે ચકમપર ગામની સીમમાં બની હતી. અહીં પણ પાંચ શખ્સોએ ખેત મજૂરોને હથિયાર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદ મુજબ, ત્રણ આરોપીઓએ એક મહિલાની તેના પતિની હાજરીમાં સામૂહિક દુષ્કર્મ કર્યું હતું.
આ બંને વણશોધાયેલા ગુનાઓની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લા પોલીસ અને એલસીબીની અલગ-અલગ ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સ અને બાતમીદારોની મદદથી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન આરોપીઓ હળવદ તાલુકાના માથક અને કડીયાણા ગામ સાથે સંકળાયેલા હોવાની માહિતી મળતાં પોલીસ સક્રિય બની હતી. પોલીસે દરોડા દરમિયાન ત્રણ આરોપીઓ તથા કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરને ઝડપી પાડ્યા હતા.

પકડાયેલા આરોપીઓમાં નવઘણભાઈ કાળુભાઈ વાધેલા (21), દિલીપ ઉર્ફે દીપો કેશાભાઈ વાજેલીયા (20) અને મુન્નાભાઈ ગંગારામભાઈ વાજેલીયા (23)નો સમાવેશ થાય છે. એક 16 વર્ષીય કિશોરને પણ કાયદાકીય પ્રક્રિયા હેઠળ લેવામાં આવ્યો છે. જ્યારે દિનેશભાઈ મધુભાઈ જખાનીયા નામનો આરોપી હજુ ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે.
પકડાયેલા આરોપીઓ પાસેથી ચાર મોબાઇલ ફોન અને એક મોટરસાયકલ સહિત કુલ અંદાજે રૂ. 50 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં કેટલાક આરોપીઓ સામે અગાઉ પણ વિવિધ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ આ ગેંગ રાત્રિના સમયે એકાંત અને અવાવરૂ વિસ્તારોમાં રહેતા ખેત મજૂરોને નિશાન બનાવતી હતી. હથિયારોના જોરે લૂંટફાટનો પ્રયાસ કરવો અને મહિલાઓ સામે ગંભીર ગુનાઓ આચરવાનો તેમનો મોડસ ઓપરેન્ડી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.મોરબી જિલ્લા પોલીસે ખેડૂતો અને ગ્રામજનોને અપીલ કરી છે કે ખેત મજૂરો માટે સુરક્ષિત રહેઠાણની વ્યવસ્થા કરવામાં આવે, સીસીટીવી કેમેરા લગાવવામાં આવે અને રાત્રિના સમયે રોકડ રકમ કે દાગીના સાથે ન રાખવામાં આવે. સાથે જ મહિલા મજૂરો માટે ગામની વસતી નજીક રહેવાની વ્યવસ્થા કરવાથી આવા ગુનાઓ અટકાવવામાં મદદ મળી શકે છે.આ સમગ્ર કાર્યવાહી એલસીબી મોરબી, પેરોલ-ફર્લો સ્ક્વોડ અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા કર્મચારીઓની સંયુક્ત કામગીરીથી સફળ બની હોવાનું પોલીસ તંત્રએ જણાવ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!