અમદાવાદમાં રિક્ષા ગેંગ ત્રાટકી : મહિલાઓની સુરક્ષા પર ફરી ઉઠ્યા સવાલ
Views 66

અમદાવાદમાં ફરી એકવાર રિક્ષા ગેંગનો આતંક સામે આવ્યો છે. વસ્ત્રાલની એક મહિલાને શેરિંગ રિક્ષામાં નિશાન બનાવી ચાલુ રિક્ષામાં મારપીટ, જાનથી મારી નાખવાની ધમકી અને આશરે રૂ.4.10 લાખના સોનાના દાગીનાની લૂંટ ચલાવવામાં આવી હોવાનો ગંભીર બનાવ પ્રકાશમાં આવ્યો છે. ફરિયાદ મુજબ આરોપીઓએ મહિલાને હાટકેશ્વર સ્મશાન નજીક ઉતારી ફરાર થઈ ગયા હતા અને પોલીસે ગુનો નોંધી સીસીટીવી સહિતના આધારોના આધારે તપાસ શરૂ કરી છે આ ઘટના માત્ર એક લૂંટનો બનાવ નથી, પરંતુ મેગાસિટી અમદાવાદમાં મહિલાઓની જાહેર સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. શહેરમાં છેલ્લા કેટલાક સમયથી શટલ અને શેરિંગ રિક્ષામાં મહિલાઓ તથા બહારગામથી આવેલા મુસાફરોને નિશાન બનાવતી ગેંગોની ફરિયાદો સામે આવી રહી છે. થોડા અઠવાડિયા પહેલાં પણ કાલુપુર વિસ્તારમાં રિક્ષામાં મુસાફરી કરતી મહિલાના દાગીનાની ચોરીનો બનાવ નોંધાયો હતો.અમદાવાદને ગુજરાતનું સૌથી વિકસિત અને આધુનિક શહેર ગણવામાં આવે છે. સ્માર્ટ સિટી, મેટ્રો, રિવરફ્રન્ટ અને કરોડોના વિકાસ પ્રોજેક્ટ વચ્ચે જો મહિલાઓ જાહેર માર્ગો પર સુરક્ષિત ન હોય તો વિકાસના દાવાઓ અધૂરા લાગે છે.


વસ્ત્રાલની મહિલાને શેરિંગ રિક્ષામાં બેસાડીને ચાર શખ્સોએ આયોજનબદ્ધ રીતે લૂંટ ચલાવ્યાનો બનાવ માત્ર કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન નથી, પરંતુ સમાજ અને તંત્ર બંને માટે ચેતવણી સમાન છે. મહિલાને લાફો મારી જાનથી મારી નાખવાની ધમકી આપીને લાખો રૂપિયાના દાગીના લૂંટી લેવાયા હોવાના આક્ષેપો સામાન્ય નાગરિકમાં ભય પેદા કરે છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર મહિલાઓની સુરક્ષા માટે અનેક યોજનાઓ, અભિયાન અને કડક કાયદાની વાત કરે છે. છતાંય દુષ્કર્મ, છેડતી, મારપીટ, ચોરી, લૂંટ અને મહિલા વિરુદ્ધના ગુનાઓના સમાચાર અવારનવાર સામે આવી રહ્યા છે. પ્રશ્ન એ છે કે કાયદાનો ડર ગુનેગારોમાં કેમ દેખાતો નથી?
શહેરોમાં વધતી વસ્તી સાથે જાહેર પરિવહન અને શેરિંગ વાહનો પર લોકોની નિર્ભરતા વધી રહી છે. ત્યારે રિક્ષા અને ટેક્સી સેવાઓનું વધુ કડક વેરિફિકેશન, સીસીટીવી નેટવર્કનું વિસ્તરણ, પેટ્રોલિંગમાં વધારો અને મહિલા સુરક્ષા માટે વિશેષ સ્કવોડની જરૂરિયાત અનુભવાઈ રહી છે. મહિલા સુરક્ષા માત્ર રાજકીય ભાષણોનો વિષય નહીં પરંતુ જમીન પર દેખાતી હકીકત બનવી જોઈએ. સમાજ, પોલીસ, સ્થાનિક તંત્ર અને સરકાર સૌએ મળીને એવો માહોલ ઊભો કરવો પડશે જ્યાં કોઈ મહિલા એકલી મુસાફરી કરતી વખતે ડર અનુભવતી ન હોય.
વિકાસના દાવાઓ ત્યારે જ સાચા ગણાશે જ્યારે શહેરની દરેક મહિલા અને બાળકી નિર્ભયતાથી રસ્તા પર ફરી શકે. અમદાવાદની આ ઘટના ફરી યાદ અપાવે છે કે સુરક્ષા માત્ર વચનોમાં નહીં પરંતુ વ્યવહારમાં દેખાવા જોઈએ. આ બનાવે ફરી એકવાર એ ચર્ચા તેજ કરી છે કે મહિલા સુરક્ષા માટે માત્ર જાહેરાતો નહીં પરંતુ દેખીતી અને અસરકારક કાર્યવાહી સમયની માંગ બની ગઈ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!