ખનિજ માફિયાઓ સામે કલેક્ટરની કડક કાર્યવાહી : ધરમપુરમાં આકસ્મિક ચેકિંગમાં ફેલ્સ્પારનો જથ્થો, ટ્રક અને પ્લાન્ટ સીઝ
Views 78

રિપોર્ટ : સંજય નંદેસરીયા, મોરબી
મોરબી જિલ્લામાં ગેરકાયદેસર ખનન, બિનઅધિકૃત પરિવહન અને ખનિજ સંગ્રહ પ્રવૃત્તિઓ સામે જિલ્લા વહીવટી તંત્ર હવે વધુ કડક બનતું દેખાઈ રહ્યું છે. જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા ખાણ-ખનિજ વિભાગ સાથે સંકલન કરી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ અને સ્થળ મુલાકાતો હાથ ધરતા ખનિજ માફિયાઓમાં ચકચાર મચી છે.


તાજેતરમાં મોરબી તાલુકાના ધરમપુર વિસ્તારમાં જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવેલા ઓચિંતાં ચેકિંગ દરમિયાન ‘એ.જે. માઇક્રોન પ્રાઇવેટ લિમિટેડ’ નામની પેઢી દ્વારા કોઈપણ પ્રકારનું સત્તાવાર રજિસ્ટ્રેશન કરાવ્યા વગર મોટા પાયે ફેલ્સ્પાર ખનિજનો બિનઅધિકૃત સંગ્રહ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. કલેક્ટરની સૂચનાના આધારે ભૂસ્તરશાસ્ત્રીની ટીમે સ્થળ પરથી ફેલ્સ્પાર ખનિજનો જથ્થો, ટ્રક નંબર GJ 36 V 8105 તથા આખો પ્રોસેસિંગ પ્લાન્ટ જપ્ત (સીઝ) કર્યો હતો. હાલ ખનિજના જથ્થાની માપણી ચાલી રહી છે અને જવાબદારો સામે ‘ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ-2017’ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

આ ઉપરાંત મોરબી-વાંકાનેર હાઇવે પર બિનઅધિકૃત રીતે કોલસાનું પરિવહન કરતા શંકાસ્પદ ટ્રકોની પણ ચકાસણી હાથ ધરવામાં આવી હતી. સંબંધિત મામલો વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે ભૂસ્તરશાસ્ત્રી વિભાગને સોંપવામાં આવ્યો છે. જિલ્લામાં આગામી સમયમાં પૂર્ણ થનારી સાદી રેતી ખનિજની ક્વોરી લીઝોને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટરે ખાણ-ખનિજ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. મચ્છુ નદીના પટમાં આવેલા વનાળિયા અને રવાપર વિસ્તારની નવી લીઝોની હરાજી પ્રક્રિયા સમયસર અને પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે વહીવટી માર્ગદર્શન આપવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.તેમજ વાંકાનેર તાલુકાના વરડુસર અને મક્તાનપર વિસ્તારમાં સેન્ડસ્ટોન ક્વોરી લીઝોની મુલાકાત લઈ ‘મેન્યુફેક્ચર્ડ સેન્ડ’ (એમ-સેન્ડ) બનાવતા પ્લાન્ટ્સની કામગીરીનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટરે પ્લાન્ટ સંચાલકોને ગુણવત્તા જાળવવા અને નિયમોનુસાર કામગીરી કરવા સૂચનાઓ આપી હતી. સાથે વસુંધરા વિસ્તારમાં આવેલી બ્લેક ટ્રેપ ખનિજ ક્વોરીઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી.


જિલ્લા વહીવટી તંત્રની આ કામગીરીને જોતા ગેરકાયદેસર ખનન અને ખનિજ સંગ્રહ સામે આગામી સમયમાં વધુ સખત કાર્યવાહી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે તંત્રની કડક કામગીરી લાંબા ગાળે ગેરરીતિઓ પર કેટલી અસરકારક સાબિત થાય છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!