મોંઘવારી અને ડીઝલ અછત મુદ્દે આપનું આવેદન: ખેડૂતો, ટ્રાન્સપોર્ટરો અને જનતાના પ્રશ્ને મોરબીમાં વિરોધ પ્રદર્શન
Views 39

મોરબી જિલ્લામાં વધતી મોંઘવારી અને રાજ્યભરમાં સર્જાયેલી ડીઝલની અછત મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટર મારફત રાજ્યના મુખ્યમંત્રીને આવેદન પાઠવી વિવિધ પ્રશ્નોના કાયમી નિરાકરણની માંગ કરવામાં આવી હતી. જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન આપના કાર્યકરો અને હોદ્દેદારોએ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
“ડીઝલ આપો, ખેતી બચાવો”, “મોંઘવારી હટાવો” જેવા સૂત્રો સાથે યોજાયેલા આ પ્રદર્શન દરમિયાન ખેડૂતો, ટ્રાન્સપોર્ટરો અને સામાન્ય નાગરિકોની સમસ્યાઓને મુખ્યત્વે રજૂ કરવામાં આવી હતી. આવેદનમાં જણાવાયું હતું કે રાજ્યમાં ડીઝલની અછતને કારણે ખેતીના કામો પર અસર પડી રહી છે, જ્યારે માલવાહક વાહનોને સમયસર ઇંધણ ન મળતાં ટ્રાન્સપોર્ટ વ્યવસાય પણ મુશ્કેલીમાં મુકાયો છે.
ખેડૂતો માટે ગ્રામ્ય વિસ્તારના પેટ્રોલ પંપો પર વિશેષ ડીઝલ ક્વોટા ફાળવવાની માંગ સાથે ખાતરના વધારેલા ભાવ પાછા ખેંચી પુરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા રજૂઆત કરવામાં આવી હતી. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ માટે હાઈવે પર આવેલા ઇંધણ સ્ટેશનો પર સતત ડીઝલ પુરવઠો જળવાઈ રહે તેમજ સપ્લાયમાં ગેરરીતિ અટકાવવા વિજિલન્સ તપાસ સમિતિ રચવાની માંગ પણ કરવામાં આવી હતી.
સામાન્ય નાગરિકોને મોંઘવારીમાંથી રાહત આપવા ઇંધણ પરનો વેટ અને સેસ ઘટાડવાની સાથે જિલ્લામાં ‘પ્રાઈસ કંટ્રોલ અને મોનિટરિંગ સ્ક્વોડ’ કાર્યરત કરવાની રજૂઆત કરવામાં આવી હતી. આપના આગેવાનોના જણાવ્યા મુજબ ડીઝલની અછત અને વધતા ટ્રાન્સપોર્ટ ખર્ચને કારણે જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ સામાન્ય માણસની પહોંચ બહાર જઈ રહ્યા છે.


આવેદન કાર્યક્રમ દરમિયાન આપના નેતાઓએ જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા જેમ પ્રજાલક્ષી પ્રશ્નોને પ્રાધાન્ય અપાયું હતું તેમ ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ જનહિતના મુદ્દાઓને લઈને લડત ચાલુ રાખવામાં આવશે. પાર્ટીના કાર્યકરો દ્વારા પ્રજા વચ્ચે રહી પ્રશ્નોને ઉજાગર કરવાની વાત સાથે આવનારા સમયમાં પરિવર્તન અને યુવા શક્તિ આધારિત રાજકારણનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!