દશકાના દુખાવાથી મળી મુક્તિ: આયુષ્માન કાર્ડના સહારે જ્યોતિબેન જોશી ઘૂંટણનું સફળ ઓપરેશન
Views 109

આયુષ્માન કાર્ડ થકી અનેક પરિવારોને બીમારીઓની પીડા અને તેની સારવાર માટેની આર્થિક ચિંતામાંથી મુક્તિ મળી

વધતી જતી ઉંમરની સાથે ઘૂંટણના દુખાવાની સમસ્યા મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે શારીરિક વેદનાની સાથે આર્થિક બોજ પણ બની જતી હોય છે. જ્યારે ઘૂંટણ સંપૂર્ણ ઘસાઈ ગયા હોય ત્યારે 'ની-રિપ્લેસમેન્ટ' (Knee Replacement) એકમાત્ર વિકલ્પ રહેતો હોય છે, પરંતુ ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયાનો ખર્ચ જોઈને અનેક જરૂરિયાતમંદ લોકો આ વેદના સહન કરતા રહેતા હોય છે. આવા કપરા સમયે સરકારની ‘આયુષ્માન ભારત’ યોજના ગરીબ પરિવારો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે. મોરબીના જ્યોતિબેન જોશી પણ આ યોજનાના થકી આજે ફરી કોઈપણ સહારા વિના ચાલતા થયા છે.

૭૦ વર્ષીય લાભાર્થી શ્રી જ્યોતિબેન જોશી છેલ્લા ૧૧ વર્ષથી ઘૂંટણના ગંભીર દુખાવાથી પીડાતા હતા. ઓપરેશનની અનિવાર્યતા હોવા છતાં આર્થિક સંજોગો આડે આવતા હતા. જ્યોતિબેન જણાવે છે કે, “દુખાવો એટલો વધી ગયો હતો કે ઓપરેશન સિવાય કોઈ રસ્તો નહોતો, પણ રૂ. ૧.૨૦ થી ૧.૫૦ લાખનો ખર્ચ સાંભળીને હું ચિંતિત બની ગઈ. આ તબક્કે આયુષ્માન કાર્ડ અમારા માટે આશીર્વાદરૂપ સાબિત થયું. ડોક્ટરે જ્યારે કહ્યું કે આ કાર્ડ પર તમામ સારવાર મફત થશે, ત્યારે અમને મોટી નિરાંત થઈ. આજે સફળ ઓપરેશન બાદ હું કોઈના પણ સહારે વગર હરી-ફરી શકું છું અને મારા તમામ કામ જાતે કરી શકું છું. અમારા જેવા સામાન્ય માણસો માટે આ કાર્ડ વિના ઓપરેશન કરાવવું શક્ય નહોતું.”

જ્યોતિબેનની તંદુરસ્તી જોઈ તેમના પુત્ર, કે જેઓ ઓસ્ટ્રેલિયામાં નોકરી કરે છે, તેમણે હર્ષભેર પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, “અમે દસ વર્ષથી મમ્મીને ઓપરેશન માટે મનાવતા હતા, પણ ઘરની આર્થિક સ્થિતિને જોતા મમ્મી હંમેશા અચકાતા હતા. પરંતુ આયુષ્માન કાર્ડની સરળ પ્રક્રિયાને કારણે તેમનું ઓપરેશન વિનામૂલ્યે અને સફળતાપૂર્વક થઈ ગયું. આજે ૧૦ વર્ષ પછી મમ્મીને પોતાની રીતે ચાલતા જોઈને હું ખૂબ ખુશ છું. ઓપરેશન બાદ અમે વૈષ્ણોદેવીના દર્શન પણ કરી આવ્યા છીએ.”

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “વિદેશમાં સરકાર દ્વારા નિશુલ્ક આરોગ્ય સેવાઓ અપાતી હોય છે, તેવી જ ઉત્કૃષ્ટ સુવિધા આજે ભારતમાં સામાન્ય પરિવારોને મળી રહી છે જે ખરેખર પ્રશંસનીય છે. આ યોજના દરેક પરિવાર માટે એક આજીવન ‘હેલ્થ બેકઅપ’ છે. હું દરેક નાગરિકને આગ્રહ કરું છું કે તેઓ આયુષ્માન કાર્ડ જરૂર કઢાવે   

આજે જ્યોતિબેન કોઈપણ જાતના દુખાવા કે ટેકા વગર ચાલી શકે છે. તેમના ચહેરા પરનો સંતોષ એ યોજનાની સાર્થકતાનો પુરાવો છે. જો આયુષ્માન કાર્ડ ન હોત, તો કદાચ તેમના જેવા અનેક જરૂરિયાત મંદોને આજીવન લાકડીના ટેકે અથવા પથારીવશ થઈને જીવવું પડત, આયુષ્માન કાર્ડના માધ્યમથી મોરબીના અનેક પરિવારો મોંઘી સર્જરીના આર્થિક બોજમાંથી મુક્ત થઈને આરોગ્યપ્રદ જીવન જીવી રહ્યા છે.
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!