મોતના માચડામાં ફેરવાયેલો મીતાણા–વાલાસણ માર્ગ: અનેક રજૂઆતો છતાં ઉકેલ નહીં, ગ્રામજનોમાં રોષ
Views: 718
0 0
Read Time:4 Minute, 42 Second

“‘જનપ્રતિનિધિઓએ તાત્કાલિક મજબૂતીકરણની કરી માંગ, “વિકાસના દાવા નહીં, હવે સુરક્ષિત રસ્તા જોઈએ”‘

ટંકારા: મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં મીતાણાથી વાલાસણ તથા વાલાસણથી મીતાણા જતો આશરે 6 કિલોમીટરનો માર્ગ આજે અત્યંત બિસ્માર હાલતમાં પહોંચતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. અનેક સ્થળોએ પડેલા વિશાળ ખાડા, ઊખડી ગયેલી સપાટી અને જોખમી સ્થિતિના કારણે વાહનચાલકો, ખેડૂતો અને મુસાફરો માટે આ માર્ગ જીવલેણ સાબિત થઈ રહ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. સતત વધી રહેલી મુશ્કેલીઓના કારણે લોકો હવે આ માર્ગને “મોતનો માચડો” તરીકે ઓળખાવવા લાગ્યા છે. રાજકોટ, મોરબી, જામનગર અને કચ્છ જેવા મહત્વના જિલ્લાઓને જોડતી આ જીવનદોરી સમાન માર્ગ પર દિવસ-રાત ભારે વાહનવ્યવહાર રહે છે. ટ્રકો, એસ.ટી. બસો, માલવાહક વાહનો અને અન્ય ભારે વાહનોની અવરજવર વચ્ચે ટુ-વ્હીલર પર પસાર થતા ખેડૂતો અને સામાન્ય નાગરિકો સતત અકસ્માતના ભય હેઠળ મુસાફરી કરવા મજબૂર બન્યા છે.

છેલ્લા કેટલાક સમયથી અહીં નાના-મોટા અકસ્માતોની ઘટનાઓ પણ નોંધાઈ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.વાલાસણ ગ્રામ પંચાયતના સરપંચ બસીરભાઈએ જણાવ્યું હતું કે માર્ગના નવીનીકરણ અને મજબૂતીકરણ માટે સંબંધિત વિભાગ સમક્ષ અનેક વખત મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવામાં આવી છે. છતાં આજદિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી, જેના કારણે ગ્રામજનોમાં અસંતોષ સતત વધી રહ્યો છે.વાલાસણ ગ્રામ પંચાયત ની સમગ્ર બોડીએ પણ સરકાર સમક્ષ માર્ગના તાત્કાલિક નવીનીકરણ અને મજબૂતીકરણ માટે જરૂરી નાણાં ફાળવવાની માંગ ઉઠાવી છે. ઉપસરપંચ નિઝમભાઈ કડીવાર, સભ્ય સલીમભાઈ કડીવાર, સભ્ય તોફીક શાહમદાર તથા સરપંચ બસીરભાઈ સહિત તમામ સભ્યોએ પ્રજાહિતને ધ્યાનમાં રાખી વહેલી તકે કામગીરી શરૂ કરવાની અપીલ કરી છે.વાલાસણ–પીપળીયા વિસ્તારના તાલુકા પંચાયત સદસ્ય હુસેનભાઈ શેરસીયા અને જિલ્લા પંચાયત સદસ્ય મહેબુબભાઈ કડીવારએ પણ માર્ગની હાલતને ગંભીર ગણાવી સરકારને ગુણવત્તાસભર અને ટકાઉ માર્ગનું તાત્કાલિક નિર્માણ કરવાની માંગ કરી છે.

મીતાણા ગ્રામ પંચાયતના સભ્ય મનુભાઈ ગચર આહીરએ પણ જણાવ્યું હતું કે ગ્રામજનોના હિતમાં તેઓ સતત આ પ્રશ્નને લઈને રજૂઆતો કરી રહ્યા છે અને માર્ગના મજબૂતીકરણ માટે જરૂરી તમામ પ્રયાસો કરવામાં આવશે.સ્થાનિકોના મત મુજબ વિકાસના દાવા ત્યારે જ અર્થપૂર્ણ ગણાશે જ્યારે ગામડાંને જોડતા મુખ્ય માર્ગો સુરક્ષિત, ટકાઉ અને ગુણવત્તાસભર બનશે. હાલ સમગ્ર વિસ્તારની નજર તંત્ર અને સરકાર તરફ મંડાયેલી છે કે વર્ષોથી પડતર રહેલી આ માંગને ક્યારે વેગ મળશે અને મીતાણા–વાલાસણ માર્ગ ખરેખર વિકાસની ઓળખ બનશે કે નહીં. વિકાસના દાવાઓ વચ્ચે જો ગ્રામ્ય વિસ્તારોના મુખ્ય માર્ગો જ બિસ્માર હાલતમાં હોય તો તે માત્ર મુસાફરો માટે નહીં, પરંતુ વેપાર, કૃષિ અને સમગ્ર વિસ્તારના વિકાસ માટે પણ ગંભીર પ્રશ્ન છે. મીતાણા–વાલાસણ માર્ગ માત્ર એક ગામનો રસ્તો નથી, પરંતુ અનેક જિલ્લાઓને જોડતી મહત્વપૂર્ણ જીવનદોરી છે. અકસ્માતની વધુ કોઈ દુઃખદ ઘટના બને તે પહેલાં સંબંધિત વિભાગ દ્વારા સ્થળ નિરીક્ષણ કરી તાત્કાલિક માર્ગના મજબૂતીકરણની કામગીરી હાથ ધરવામાં આવે તેવી ગ્રામજનો અને જનપ્રતિનિધિઓની એકસૂર માંગ ઉઠી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
100 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *