હળવદમાં ગટરગંગા: કેનાલથી તળાવ સુધી ગંદકીનો પ્રવાહ, તંત્રની નિષ્ક્રિયતા સામે પ્રજાનો આક્રોશ
Views 34

હળવદ શહેરમાં ચોમાસા પૂર્વે સ્વચ્છતા અને આરોગ્યલક્ષી કામગીરીની વાતો વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના ગટરનું ગંદુ પાણી સીધું કેનાલમાં છોડવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠતાં મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે જાતે સ્થળ પર દોડી આવ્યા હતા. સ્થળ નિરીક્ષણ દરમિયાન નગરપાલિકાના ચીફ ઓફિસરને ગંદા પાણીના નિકાલ અંગે પૂછતાં તેમણે “આ પાણી ક્યાં જાય છે તેની મને ખબર નથી” જેવો જવાબ આપ્યો હોવાનું સ્થાનિકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
સ્થિતિ વધુ ગંભીર ત્યારે બની જ્યારે કેનાલમાં છોડાયેલું ગટરનું પાણી બાદમાં તળાવ તરફ ડાયવર્ટ કરાયું હોવાના આક્ષેપો થયા. શહેરીજનોમાં ભય છે કે ગંદુ પાણી તળાવમાં ભળવાથી પાણી પ્રદૂષિત બનશે અને આવનારા દિવસોમાં મચ્છરો તથા ચેપી રોગોનું પ્રમાણ વધી શકે છે.કલેક્ટર દ્વારા કેનાલની સફાઈ કરી તાત્કાલિક અહેવાલ રજૂ કરવા સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, સમગ્ર ઘટનાએ નગરપાલિકાની કામગીરી અને દેખરેખ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે ચોમાસું માથે આવી ગયું હોવા છતાં ગટર વ્યવસ્થાની યોગ્ય જાળવણી કરવામાં આવી નથી, જેના કારણે જાહેર આરોગ્ય જોખમમાં મુકાયું છે.

શહેરમાં અનેક સ્થળોએ ગંદકીના થર અને ઉભા પાણીની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. નિષ્ણાતોના મતે આવી સ્થિતિ મચ્છરજન્ય રોગો માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરે છે. પરિણામે ડેન્ગ્યુ, મેલેરિયા અને અન્ય ચેપી રોગોના કેસોમાં વધારો થવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.

એક તરફ શાસક પક્ષ દ્વારા વિકાસ, સ્વચ્છતા અને સુશાસનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ હળવદમાં ગટરનું પાણી કેનાલ અને તળાવ સુધી પહોંચે તેવી સ્થિતિ સર્જાતા વિકાસના દાવા સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. સ્થાનિક નાગરિકો જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી અને ગટર વ્યવસ્થાના કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે.હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ બેદરકારી માટે જવાબદાર કોણ છે? અને શું તંત્ર માત્ર તપાસ પૂરતું સીમિત રહેશે કે પછી જવાબદારો સામે કડક કાર્યવાહી કરીને શહેરને સ્વચ્છ અને સુરક્ષિત બનાવવાના પગલાં ભરશે? હાલ સમગ્ર હળવદ પંથકમાં આ જ ચર્ચા ચાલી રહી છે. અહેમદાબાદ મિત્ર ન્યુઝ સંજય નંદેસરીયા હળવદ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!