દારૂના અડ્ડા પર ગ્રામજનોની જનતા રેડ : કડીયાણામાં સરપંચે બતાવી હિંમત, પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલો
Views 94

રિપોર્ટ : સંજય નંદેસરીયા,હળવદ : હળવદ તાલુકાના કડીયાણા ગામે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની પોલ ખોલતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગામમાં લાંબા સમયથી ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ સામે સ્થાનિક પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરવામાં આવતાં આખરે ગામના સરપંચ અને ગ્રામજનોએ એકજૂથ બની બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે.મળતી માહિતી મુજબ કડીયાણા ગામની સીમમાં ચાલી રહેલી દેશી દારૂની ભઠ્ઠીઓ અંગે અનેક વખત રજૂઆતો છતાં કોઈ અસરકારક પગલાં ન લેવાતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો હતો. જેના પગલે સરપંચના નેતૃત્વમાં ગ્રામજનોએ સ્થળ પર પહોંચી ‘જનતા રેડ’ હાથ ધરી હતી.આ દરમિયાન અંદાજે ૧,૦૦૦ લિટર જેટલો દેશી દારૂ બનાવવાનો આથો ઝડપી પાડવામાં આવ્યો હતો. ગ્રામજનોએ આ સમગ્ર જથ્થાનો સ્થળ પર જ નાશ કરી દેતાં બુટલેગરોને મોટો ફટકો પડ્યો હતો. ઘટનાના વીડિયો અને તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.ગ્રામજનોનું કહેવું છે કે ગામમાં લાંબા સમયથી દેશી દારૂનો ધંધો ખુલ્લેઆમ ચાલી રહ્યો હતો, છતાં જવાબદાર તંત્ર અને પોલીસ આંખ આડા કાન કરી રહી હતી. જો સમયસર કાર્યવાહી કરવામાં આવી હોત તો ગ્રામજનોએ આ પ્રકારનું પગલું ભરવાની જરૂરિયાત ઊભી ન થાત. આ ઘટનાએ હળવદ પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

એક તરફ રાજ્ય સરકાર નશાબંધીના કડક અમલની વાત કરે છે ત્યારે બીજી તરફ ગામડાંઓમાં ખુલ્લેઆમ ચાલી રહેલી દેશી દારૂની ભઠ્ઠીઓ તંત્રની કાર્યશૈલી પર પ્રશ્નાર્થ ઊભો કરી રહી છે. હવે જોવાનું એ રહેશે કે આ સમગ્ર મામલે પોલીસ અને વહીવટી તંત્ર જવાબદારો સામે કોઈ કાર્યવાહી કરે છે કે પછી સમગ્ર ઘટનાને માત્ર ચર્ચાનો વિષય બનાવી દેવામાં આવશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!