વિકાસના વચનોના વરસાદ પછી ખાડાઓનું રાજ! મોરબી પંથકમાં રસ્તાઓ બોલી રહ્યા છે નેતાઓની કામગીરીની હકીકત
Views 62

મોરબી પંથકમાં વિકાસના દાવાઓ અને વાસ્તવિક સ્થિતિ વચ્ચેનો તફાવત આજે ખાડાધારી માર્ગો સ્પષ્ટ રીતે દર્શાવી રહ્યા છે. ચૂંટણી સમયે વિકાસના વચનો અને જાહેરાતોના વાદળો છવાઈ જતા હોય છે, પરંતુ સત્તા પ્રાપ્ત થયા બાદ ગ્રામ્ય વિસ્તારની પ્રજા માટે સમસ્યાઓનું માવઠું યથાવત રહેતું હોવાનું જોવા મળી રહ્યું છે.
મોરબી તાલુકાના વીરપરડા-બગથળા માર્ગ સહિત જિલ્લાના અનેક ગ્રામ્ય માર્ગોની હાલત લાંબા સમયથી બિસ્માર બની છે. ખાડાઓથી ભરેલા રસ્તાઓ સ્થાનિક રહેવાસીઓ, ખેડૂતો, વેપારીઓ, વિદ્યાર્થીઓ તેમજ વાહનચાલકો માટે રોજિંદી મુશ્કેલીનું કારણ બન્યા છે. અકસ્માતનો ભય સતત માથા ઉપર તોળાઈ રહ્યો છે, છતાં જવાબદાર તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ તરફથી અસરકારક કામગીરી દેખાતી નથી.ગુજરાત સરકાર દ્વારા અગાઉ ચોમાસા દરમિયાન ખાડામુક્ત માર્ગોના નિર્દેશો આપવામાં આવ્યા હતા, પરંતુ બીજા ચોમાસાની શરૂઆત થઈ રહી હોવા છતાં અનેક વિસ્તારોમાં માર્ગોની સ્થિતિમાં કોઈ નોંધપાત્ર સુધારો જોવા મળતો નથી. પરિણામે ગ્રામ્ય મતદારોમાં એવો સવાલ ઉઠી રહ્યો છે કે વિકાસના દાવાઓ માત્ર ચૂંટણી પૂરતા જ મર્યાદિત છે કે શું?

મોરબી જિલ્લો ઉદ્યોગ અને વિકાસ માટે ઓળખાતો જિલ્લો ગણાય છે. મોરબી, વાંકાનેર, ટંકારા, હળવદ અને માળીયા મિયાણા જેવા વિસ્તારોમાં વિકાસના અનેક દાવાઓ થયા છે, પરંતુ મૂળભૂત સુવિધા એવા રસ્તાઓની હાલત હજુ પણ ચિંતાજનક છે. આ સ્થિતિ સ્થાનિક વહીવટીતંત્રના આયોજનના અભાવને દર્શાવે છે કે પછી રાજકીય પ્રાથમિકતાઓમાં પ્રજાલક્ષી પ્રશ્નો પાછળ ધકેલાઈ ગયા છે, તેવી ચર્ચાઓ ગ્રામ્ય વિસ્તારોમાં ચાલી રહી છે.
ડિસેમ્બર સુધીમાં યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીઓના પડઘમ ગ્રામ્ય વિસ્તારમાં સંભળાવા લાગ્યા છે. બીજી તરફ આશરે દોઢ વર્ષ બાદ આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને પણ રાજકીય માહોલ ધીમે ધીમે ગરમાઈ રહ્યો છે. આવા સમયે રસ્તા, પાણી, આરોગ્ય અને રોજગાર જેવા પ્રશ્નો મતદારો માટે મુખ્ય મુદ્દા બની શકે છે.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે વિકાસના દાવાઓ અને જમીન પરની વાસ્તવિકતા વચ્ચેનો તફાવત જેટલો વધશે, એટલી જ મતદારોની નારાજગી વધવાની શક્યતા રહેશે. ગ્રામ્ય મતદારો હવે માત્ર વચનો નહીં પરંતુ દેખાતી કામગીરીની અપેક્ષા રાખી રહ્યા છે. જો પ્રજાલક્ષી પ્રશ્નોના નિરાકરણમાં હજુ પણ વિલંબ થશે તો આગામી ચૂંટણીઓમાં આ મુદ્દાઓ રાજકીય સમીકરણોને અસર કરી શકે છે.
આખરે પ્રશ્ન એક જ છે—વિકાસના બેનરો અને ભાષણો કરતાં ખાડામુક્ત રસ્તાઓ ક્યારે મળશે? કારણ કે મતદારો હવે શબ્દો નહીં, પરિણામો જોઈ રહ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!