મતદારનો સવાલ: વિકાસના દાવા વચ્ચે પ્રજાહિતના પ્રશ્નો કેમ અધૂરા?
Views 40

ગુજરાત સહિત દેશભરમાં વિકાસ, ડિજિટલ ગવર્નન્સ અને સુશાસનના દાવાઓ વચ્ચે સામાન્ય નાગરિક આજે પણ રોજિંદા જીવનના અનેક મૂળભૂત પ્રશ્નોનો સામનો કરી રહ્યો છે. મંદી, મોંઘવારી, બેરોજગારી, રોડ-રસ્તાની સમસ્યાઓ, સરકારી કચેરીઓમાં સ્ટાફની અછત, ગ્રામ્ય વિસ્તારોમાં પાયાની સુવિધાઓનો અભાવ અને વધતી ખાનગીકરણની પ્રક્રિયા જેવા મુદ્દાઓ સતત ચર્ચામાં છે.
તટસ્થ મતદારો અને જાગૃત નાગરિકોમાં એવી લાગણી જોવા મળે છે કે ચૂંટણી સમયે વિકાસના મોટા દાવા અને જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ પ્રજાના પ્રાથમિક પ્રશ્નોના કાયમી ઉકેલ માટે જરૂરી આયોજન અને અમલીકરણમાં હજુ ખામી જોવા મળે છે. રાજ્યના અનેક ગામડાઓથી લઈને પાટનગર ગાંધીનગર સુધી રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણ અને સરકારી સેવાઓ સંબંધિત ફરિયાદો અવારનવાર સમાચાર બને છે. અનેક અરજીઓ સરકારી કચેરીઓમાં મહિનાઓ સુધી પડતર રહેતી હોવાના આક્ષેપો પણ સામે આવતા રહે છે.

બીજી તરફ સરકારી વિભાગોમાં કર્મચારીઓની અછતના કારણે હાલના સ્ટાફ પર કામનો ભાર વધી રહ્યો છે. આઉટસોર્સિંગ અને કરાર આધારિત ભરતીથી કામ તો ચાલી રહ્યું છે, પરંતુ કર્મચારીઓના વેતન, સુરક્ષા અને શોષણ જેવા મુદ્દાઓ પણ ચર્ચામાં રહે છે. પરિણામે સેવાની ગુણવત્તા અને કાર્યક્ષમતા પર અસર થતી હોવાની ફરિયાદો ઉઠે છે.
હાલ ચોમાસું નજીક છે ત્યારે ગ્રામ્ય માર્ગો, આંતરિક રસ્તાઓ અને ખેતીને જોડતા માર્ગોની સ્થિતિ સૌથી મોટો ચિંતાનો વિષય બની છે. ખેડૂતોથી લઈને વેપારીઓ અને શહેરના વાહનચાલકો સુધી સૌને મજબૂત અને ટકાઉ માર્ગ વ્યવસ્થાની જરૂરિયાત અનુભવાઈ રહી છે. જો સમયસર માર્ગોનું સમારકામ અને નવીનીકરણ નહીં થાય તો ચોમાસામાં મુશ્કેલીઓ વધવાની શક્યતા છે.

આ સાથે બાંધકામ ક્ષેત્રમાં મટીરિયલ, કપચી, રેતી અને અન્ય સામગ્રીના ભાવોમાં થયેલા વધારાના કારણે વિકાસ કાર્યો પણ પ્રભાવિત થઈ રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જૂના દરે ટેન્ડર અને અંદાજ તૈયાર થતા હોવાથી ઘણા કોન્ટ્રાક્ટરો કામ હાથ ધરવામાં રસ દાખવતા નથી, જેના કારણે વિકાસના કામોમાં વિલંબ થતો હોવાની ચર્ચા છે.
રાજકીય પક્ષો માટે આ સ્થિતિ એક પ્રકારની “લાલબત્તી” સમાન માનવામાં આવે છે. કારણ કે તટસ્થ મતદારો હવે માત્ર જાહેરાતો કે ભાષણોથી નહીં, પરંતુ રોજિંદા જીવનમાં દેખાતા પરિણામો અને સુવિધાઓના આધારે પોતાનો મત બનાવતા થયા છે. વિકાસનો સાચો અર્થ ત્યારે જ સાકાર ગણાશે જ્યારે પ્રજાના મૂળભૂત પ્રશ્નોનો સમયસર અને પારદર્શક રીતે ઉકેલ આવશે.
પ્રજાહિતના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો આગામી સમયમાં સરકાર, સ્થાનિક તંત્ર અને જનપ્રતિનિધિઓ માટે સૌથી મોટો પડકાર વિકાસના દાવાઓને જમીન પર ઉતારી સામાન્ય નાગરિકના જીવનમાં વાસ્તવિક પરિવર્તન લાવવાનો રહેશે. આજે તટસ્થ મતદારનો એક જ સવાલ છે – વિકાસના આંકડાઓ સાથે પ્રજાના પ્રશ્નોનો ઉકેલ ક્યારે દેખાશે?

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!