મોરબીમાં અમન, એકતા અને ભાઈચારાના સંદેશ સાથે ઈદ-ઉલ-અદહાની શાનદાર ઉજવણી
Views 58

મોરબી શહેરમાં ગુરુવારના રોજ ઈસ્લામ ધર્મના પવિત્ર તહેવાર ઈદ-ઉલ-અદહાની શાંતિ, શુકૂન, અમન અને ભાઈચારાના માહોલ વચ્ચે હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. હરસાલની પરંપરા મુજબ આ વર્ષે પણ મુસ્લિમ બિરાદરોએ ઈદ-ઉલ-અદહાની નમાજ અદા કરી અલ્લાહ તઆલાની બારગાહમાં દેશ, સમાજ અને સમગ્ર માનવજાત માટે દુઆઓ માંગી હતી.
તારીખ 28 મે 2026, ગુરુવાર તથા ઈસ્લામી કેલેન્ડર મુજબ 11 જીલહજના પવિત્ર દિવસે મોરબી શહેરની વિવિધ મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તમામ મસ્જિદોમાં અલગ-અલગ સમય મુજબ ઈદની નમાજનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી મુસ્લિમ ભાઈઓએ પોતાના વિસ્તારની મસ્જિદોમાં પહોંચીને ઈદની નમાજ અદા કરી હતી અને અલ્લાહની બારગાહમાં પોતાના ઈમાન, બંદગી અને કુરબાનીની ભાવનાનું પ્રતિક રજૂ કર્યું હતું.
ઈદ-ઉલ-અદહા, જેને “બકરી ઈદ” તરીકે પણ ઓળખવામાં આવે છે, તે માત્ર તહેવાર નહીં પરંતુ કુરબાની, ત્યાગ, આજ્ઞાપાલન અને માનવસેવાનો મહાન સંદેશ આપતો ઈસ્લામી પર્વ છે. હઝરત ઈબ્રાહીમ (અલૈહિસ્સલામ) દ્વારા અલ્લાહના હુકમ માટે પોતાના સૌથી પ્રિયનું બલિદાન આપવા દર્શાવેલી તૈયારી માનવજાતને ઈમાન અને સમર્પણનો સંદેશ આપે છે. આ પર્વ એ શીખવે છે કે ઈન્સાન પોતાની અંદરના અહંકાર, સ્વાર્થ અને નફરતનો ત્યાગ કરીને પ્રેમ, દયા અને ભાઈચારો અપનાવે.


મોરબીની જુમ્મા મસ્જિદેથી સુન્ની મુસ્લિમ સમાજના શહેર ખતીબ રસીદમિયા બાપુ કાદરીની સરપરસ્તીમાં ભવ્ય અને શાનદાર ઝુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુલુસ શહેરના મુખ્ય માર્ગો નેહરુ ગેટ, સરદાર રોડ થઈ જુના બસ સ્ટેન્ડ નજીક આવેલી ઈદગાહ સુધી પહોંચ્યું હતું. જ્યાં શહેર ખતીબ રસીદમિયા બાપુ કાદરીએ હજારોની સંખ્યામાં ઉપસ્થિત મુસ્લિમ બિરાદરોને ઈદ-ઉલ-અદહાની નમાજ અદા કરાવી હતી.

ઈદગાહ ખાતે મોરબી શહેર ઉપરાંત આસપાસના ગામડાઓમાંથી પણ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા. શહેર ખતીબે પોતાના સંબોધનમાં ભારત દેશમાં અમન-ચેન, કોમી એકતા, ભાઈચારો અને સુખ-શાંતિ કાયમ રહે તે માટે અલ્લાહ પાકની બારગાહમાં ખાસ દુઆએ ખેર કરી હતી. સાથે જ તમામ મુસ્લિમ ભાઈઓને ઈદની મુબારકબાદ પાઠવી માનવતા અને એકતાનો સંદેશ આપ્યો હતો.
ત્યારબાદ ખાટકીવાડ પાસે આવેલી હૈદરી મસ્જિદે ઝુલુસનું સમાપન થયું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોરબી જિલ્લા પોલીસે ચુસ્ત અને સુંદર બંદોબસ્ત ગોઠવી કાયદો અને વ્યવસ્થાની ઉત્તમ કામગીરી નિભાવી હતી.


ઈદ-ઉલ-અદહાની આ ઉજવણી માત્ર ધાર્મિક આસ્થા પૂરતી મર્યાદિત રહી નહોતી, પરંતુ મોરબી શહેરમાં કોમી સૌહાર્દ, સામાજિક એકતા અને પરસ્પર પ્રેમનું જીવંત ઉદાહરણ બની રહી હતી. આજના સમયમાં જ્યારે સમાજમાં એકતા અને ભાઈચારાની જરૂરિયાત વધુ અનુભવી રહી છે, ત્યારે આવા પવિત્ર તહેવારો માનવતાને જોડવાનું મહત્વનું કાર્ય કરે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!