બંને હાથથી વિકલાંગ, છતાં સંઘર્ષ સામે અડગહસમુખ ભાઈ ની આત્મ નિર્ભરતા ની સફર
Views: 70
2 0
Read Time:3 Minute, 6 Second

“‘રોજ 15થી 17 કિમી સાયકલ ચલાવી રોજગાર, વૃદ્ધ પિતાની જવાબદારી પણ નિભાવે છે”‘

વાંકાનેર : આજના સમયમાં ઝડપથી કમાણી કરવાની દોડ અને શોર્ટકટની માનસિકતા વચ્ચે વાંકાનેરના રાતીદેવડી ગામના હસમુખ નરસિંહભાઈ પરમારની જીવનસફર અનેક લોકો માટે પ્રેરણારૂપ બની શકે તેવી છે. બંને હાથથી વિકલાંગ હોવા છતાં તેમણે પોતાની શારીરિક મર્યાદાને જીવનની મર્યાદા બનવા દીધી નથી. 17 જુલાઈ 1977ના જન્મેલા હસમુખભાઈ છેલ્લા લગભગ 18 વર્ષથી સંઘર્ષ સાથે જીવન નિભાવી રહ્યા છે. શરૂઆતના આશરે 15 વર્ષ સુધી તેઓ સવારે અને સાંજે અખબાર વિતરણનું કામ કરતા હતા. છેલ્લા ત્રણ વર્ષથી તેઓ વાંકાનેરમાં માર્ક અને મહાવીર કુરિયર સાથે જોડાઈ પાર્સલ પહોંચાડવાનું કામ કરે છે. રાતીદેવડીથી સાયકલ લઈને વાંકાનેર આવે છે અને દિવસ દરમિયાન શહેરમાં પાર્સલ પહોંચાડતાં અંદાજે 15થી 17 કિલોમીટરનું અંતર કાપે છે. શારીરિક પડકારો વચ્ચે પણ રોજિંદી મહેનત તેમના જીવનનો હિસ્સો બની ગઈ છે. હસમુખભાઈના પરિવારમાં તેઓ અને તેમના વૃદ્ધ પિતા જ છે. માતાનું અવસાન થઈ ચૂક્યું છે અને તેમના લગ્ન પણ થયા નથી. પોતાની સાથે વૃદ્ધ પિતાની જવાબદારી પણ તેઓ જ સંભાળે છે. સવારે કામે નીકળતા પહેલાં પિતા-પુત્ર માટે રસોઈ બનાવે છે અને સાંજે ઘરે પરત ફરી રાત્રિભોજનની તૈયારી પણ કરે છે. હસમુખભાઈએ જણાવ્યું હતું કે તેમને સરકાર તરફથી રૂ. 1,000 વિકલાંગ પેન્શન, જ્યારે તેમના પિતાને રૂ. 1,000 વૃદ્ધ પેન્શન મળે છે. મર્યાદિત આવક વચ્ચે પણ પિતા-પુત્ર મહેનતથી જીવન આગળ ધપાવી રહ્યા છે.

હસમુખભાઈની કહાની માત્ર એક વ્યક્તિના સંઘર્ષની વાત નથી; તે “પરિસ્થિતિ સામે ફરિયાદ કરવી કે રસ્તો શોધવો?” એવા સવાલનો જીવંત જવાબ છે. બે હાથ સાથ ન આપતા હોવા છતાં સાયકલના પેડલ પર પગ રાખીને રોજગાર સુધી પહોંચતા હસમુખભાઈનું જીવન બતાવે છે કે આત્મનિર્ભર બનવાની ઇચ્છા માણસને મુશ્કેલીઓ વચ્ચે પણ આગળ ધપાવી શકે છે. આ કિસ્સો સમાજમાં એવા દરેક વ્યક્તિ માટે પ્રેરણા બની શકે છે, જે નાની મુશ્કેલી સામે હિંમત હારી જાય છે. હસમુખભાઈ માટે રોજનું કામ માત્ર રોજગાર નથી, પરંતુ પોતાના પગ પર ઊભા રહેવાની અને વૃદ્ધ પિતાની જવાબદારી નિભાવવાની જીવનયાત્રા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *